ગાયમાતાની સેવા ગંગાસ્નાન અને યમુનાપાન સમાન છે
સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
Read full article at Sunday Bhaskar.
- બને તો ગાય પાળવી જોઇએ. ગાય પાળવાની ક્ષમતા ન હોય તો ગાયની ચીજવસ્તુનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ
- રામકથા સ્વયં સુરધેનુ છે. કામદ ગાય છે. રામાયણમાં ગાયને ક્યારેક સુરધેનુ કહીને, ક્યારેક કામદ કહીને, ક્યારે ગૌ કહીને, ક્યારેક સુરભિ કહીને ગૌમતાનો મહિમા ગાયો છે.
- અમારે પૂજનીય દત્તશરણાનંદજી મહારાજ ગાયોની વાત આવે ત્યારે સ્પષ્ટ કહે કે ગોસેવા કેવળ વિચારાત્મક ન હોવી જોઇએ. ગોસેવાની પ્રવૃત્તિ સમાજમાં રચનાત્મક બનવી જોઇએ.
- સમાજમાં ઘણીવાર લોકો વિચારાત્મક બને છે પરંતુ પછી રચનાત્મક રહી શકતા નથી.
- ગુજરાતના બહુ જ મોટા વિચારવાન વ્યક્તિ ગુણવંત શાહ બાંગ્લાદેશ ગયા ત્યારે એમણે ત્યાંથી મને એક વાત કરેલી કે બાપુ, હું એ વાતે હેરાન છું કે આ મુસ્લિમ દેશોમાં માત્ર ગાયનું જ દૂધ પીવામાં આવે છે. ગાયનું જ ઘી વપરાય છે. ગાયનાં બધાં દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે શા માટે ચૂકી જઇએ છીએ? અને વાત એવી કોઇ મોટી નથી. આપણે બધા પોતપોતાના સ્તરે ઇમાનદારીથી કામ કરીએ. કથા સાંભળવાથી સ્વર્ગ મળી જાય તો એમાં મને કોઇ મુશ્કેલી નથી પરંતુ કથા સાંભળ્યા પછી આપણે અહીં સ્વર્ગ નિર્મિત કરવું છે એ મારું કર્તવ્ય છે. મારી તો સ્વર્ગમાં કઇ રુચિ નથી. રાજેન્દ્ર શુકલની પંક્તિઓ છે કે
‘હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું
નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું
નિષેધ કોઇને નહીં, વિદાય કોઇને નહીં
હું શુદ્ધ આવકાર છું. હું સર્વનો સમાસ છું’
- દેશનો યશ બચે, દેશની ગાય બચે, યમુનાનો નિરંતર પ્રવાહ બચે. આજે વ્રજમંડલની પણ એ જ તો મોટી સમસ્યા છે. અનેક સંસ્થાઓ, સંતો એ માટે પ્રવૃત્ત છે. વ્યાસપીઠ પરથી રાજપીઠને હું કહેવા માગું છું કે અમે થોડામાં ગુજારો કરી લઇશું, પરંતુ મહેરબાની કરીને અમારા પાવન પ્રવાહને બંદી ન બનાવો.
- ગંગાના શુદ્ધિકરણની યોજના કરવામાં આવી હતી. સારી વાત છે. એને તત્કાળ ક્રિયાન્વિત કરવામાં આવે. ગિરિરાજનું શુદ્ધિકરણ, વ્રજચોરાસી કોષનું શુદ્ધિકરણ, યમુનાના નિરંતર પ્રવાહનું જતન થવું જોઇએ. આજે લોકો જે તે વસ્તુઓ યમુનામાં નાખતા હોય છે. આપણે યાત્રાળુઓ પણ જે તીર્થોમાં જઇએ ત્યાં એ તીર્થોને અશુદ્ધ ન કરીએ. જ્યાં ત્યાં કચરો ન નાખીએ ગમે ત્યાં ગંદકી ન કરીએ એનું આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. તીર્થધામને સ્વચ્છ રાખવું એ આપણી બધાની ફરજ છે. તીર્થ અપરાધ સારો નથી. આપણા દેવસ્થાન, તીર્થસ્થાન, પવિત્રસ્થાન, પવિત્રપ્રવાહની શુદ્ધિકરણની જવાબદારી આપણી છે.
- તીર્થની સેવા સાથે ગાયની સેવા થવી જોઇએ. મને આનંદ છે નાનપણથી મારી કથાઓ સાંભળનારા મારા ઘણા શ્રોતાઓ આવી અનેક સંસ્થાઓમાં એમનું સંપૂર્ણ જીવન સમર્પિત કરે છે. પ્રસિદ્ધિથી મુક્ત થઇને સેવાના કામમાં લાગેલા છે. મારી પુન: સર્વને પ્રાર્થના છે કે સુવિધા હોય તો ગાયને પાળજો. જો અનુકૂળ ન હોય તો ગૌશાળાની એક-બે ગાય હેસિયત પ્રમાણે દત્તક લેવી જોઇએ.
- ગાય તો રાષ્ટ્રનો શણગાર પણ છે અને સુરક્ષા પણ છે. જે ઘરમાં ગાય વસે છે ત્યાં દેવતાઓ વસે છે.
- વર્ણાશ્રમની આપણી જે પવિત્ર વ્યવસ્થા છે એ મુજબ ગાયોમાં સર્વ વર્ણ સમાહિત છે. ગાયોમાં બધા જ આશ્રમનાં દર્શન થાય છે. ગાય જો એક જ કોમની હોય કે એક જ ધર્મ સાથે જોડાયેલી હોય તો પછી વિદેશી લોકો પણ ગાયના દૂધનો ઉપયોગ શા માટે કરે છે? ગાય આપણો આત્મા છે. આત્મા હોવાને નાતે ગાય પ્રિય હોવી જોઇએ. ગાય વિશ્વનો આત્મા છે. જેમ ગવર્નમેન્ટ બાય ધી પીપલ. ફોર ધી પીપલ. ફ્રોમ ધી પીપલ, એમ ગાય લોકો માટે છે. લોકો દ્વારા પૂજિત છે. એક બહુ જ મોટા વિદ્વાને મને કહ્યું હતું કે બાપુ આપણે ગાયનું પાલન કરીશું, ગાય આપણા પરિવારનું પાલન કરે છે. જે દેશમાં જે રાષ્ટ્રમાં ગાયની સેવા થતી હશે એ રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. આફ્રિકાની પ્રજાના એક વર્ગમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે છોકરા પાસે કેટલી ગાયો છે એવું પૂછવામાં આવે છે. ગાય અર્થનું મૂળ છે. ગાય ઉપર સંશોધન થઇ રહ્યું છે. અને એ રીતે આખો દેશ ચાલે છે. ગાય તો ગંગા-યમુનાનો નિત્ય સંગમ છે. ગાયની સેવા એ તો ગંગાસ્નાન અને યમુનાપાન છે.
સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment