- ત્રણ મારગ છે જેમાં સત્ય, પ્રેમ અને કરુણાનો સમાવેશ થાય છે.
- સંતોનું એવું માનવું છે જ્યારે મારગની વાત આવી ત્યારે રામ વૈદિક મારગ ઉપર ગયા છે. ભગવાન રામે ચાર વેદનું અનુસરણ કર્યું છે અને વેદમાં પણ ત્રણ મારગ છે. જેમાં ઉપાસના માર્ગ, કર્મમાર્ગ અને જ્ઞાનમાર્ગ.
- આનો અર્થ એ પણ થાય કે વ્યક્તિ જ્યારે ગતિ કરે છે ત્યારે વેદ, શાસ્ત્રોપણ ધીરે ધીરે છૂટી જાય છે. .
તેહિ અવસર એક તાપસુ આવા !
તેજપુંજ લઘુબયસ સુહાવા !!
કબિ અલખિત ગતિ બેષુ બિરાગી !
મન ક્રમ બચન રામ અનુરાગી !!
- એનો મતલબ એ પણ થાય કે જીવમાં જ્યારે પ્રેમ આવી જાય ત્યારે શાસ્ત્રોએ પણ વિદાય લેવી પડે છે.
કરીબ તુમને કિયા કોઇ બાત નહીં
ઇસીકા નામ હૈ વફા કોઇ બાત નહીં!
- હું રામકથાને પણ પ્રેમયજ્ઞ કહું છું. પ્રેમ સૌથી મોટો મારગ છે. પ્રેમમારગમાં પૂજાની જરૂર નથી, વિધિવિધાનની જરૂર નથી.
- આપણાં શાસ્ત્રોમાં પ્રેમનાં કેટલાંક લક્ષણો બતાવ્યાં છે એમાં એક પ્રેમ 'તેજપુંજ' જે ઘણો તેજસ્વી છે. પ્રેમપંથ અગ્નિની જ્વાળા છે. એની વય નાની છે. પ્રેમ ક્યારેય ઘરડો થતો નથી. પ્રેમ એક જ અવસ્થામાં રહે છે. એ વધે છે પણ ક્યારેય વૃદ્ધ થતો નથી.
- તમને કોઇ મારગ પસંદ કરવા માટે દબાણ કરે તો એની વાતમાં ન આવશો. આજે લોકો ગમે તેને ગમે તે મારગ ઉપર ચઢાવી દેતા હોય છે. માટે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને મારગ પસંદ કરજો એવી મારી આપને સલાહ છે. બીજાને પ્રેમ કરો એ જ સાચું ભજન છે. જે વ્યક્તિ ઉપર પરમાત્માની અતિશય કૃપા હશે એ જીવ સંસારમાં વિશાળ મારગ ઉપર પગ મૂકી શકશે. મારું તો માનવું છે કે રામચરિતમાનસ સ્વયં એક મારગ છે. રતિલાલ અનિલની એક પંક્તિ છે,
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો.
- આજે દેવ બનવાની જરૂર નથી બસ માનવ બનીને રહીએ અને હરિનું ભજન કરીએ તો જીવનનો મારગ વધારે સ્પષ્ટ થઇ જશે અને આમેય કળિયુગમાં હરિના નામનો મહિમા વધારે છે. જોકે મારી વ્યાસપીઠ સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરે છે એના પર ચાલવું જોઇએ. પરંતુ મારો અનુભવ એમ કહે છે કે સાધકમાં નામનિષ્ઠા બહુ જરૂરી છે અને કલિયુગમાં હરિનું નામ મુખ્ય સાધન છે. એક હરિનું નામ સર્વોપરી છે, માટે પ્રભુના નામનો ખૂબ આશ્રય કરો. સવાભગત એક વાત સરસ કરે છે.
સંપત્તિ વિપત્તિ સૌની સાથે ઓચિંતાની આવી પડે,
દાસ સવો કહે ગુરુના ચરણે નામવાળાને નહીં નડે.
જેની પાસે હરિનું નામ હશે એને વિપત્તિ નડશે નહીં અને કદાચ ઓચિંતું આવી પડશે તો પણ નામ સાચો મારગ બતાવશે.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Sunday Bhaskar, epaper, page 8
No comments:
Post a Comment