નાઝીર દેખૈયા રચિત ગઝલ
સાભાર ટહુકો.કોમ - સૂર અને શબ્દનો સુભગ સમન્વય
Source Link : http://tahuko.com/?p=3300
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
સ્વર – મનહર ઉધાસ
નાઝીર દેખૈયા રચિત આ ગઝલને સુપ્રસિદ્ધ ગાયક શ્રી મનહરભાઈ ઉધાસે સ્વર આપ્યો છે.
No comments:
Post a Comment