રામ કથા અને તેનું માહત્યમ
ભગવાની કથાના ગુણગાન ગાવાથી આપણો સાંસારિક જીવનનો થાક દૂર થાય છે. કથા શબ્દને ઊલટો કરતાં થાક થાય. તેથી જ જેનાથી થાક ઊતરે તે જ કથા કહેવાય, બીજી બધી વ્યથા છે.
રામ કથા આરામ મેળવવા માટેની કથા છે, વિશ્રામ પામવાની કથા છે. જો તારે આરામની જરુર હોય તો આ રામની શરણમાં અને રામ રામ કર. ગોસ્વામી તુલસીદાસજી રચીત રામ ચરિત માનસ એક અદભૂત ગ્રંથ છે. પરમ પૂજ્ય મોરારી બાપુ ગોસ્વામી તુલસીદાસજી રચીત રામ ચરિત માનસના મહાન કથાકાર છે. તેમની કથા સાંભળવી એ પણ આપણું સદભાગ્ય કહેવાય. પૂજ્ય મોરારી બાપુની રામ કથા પ્રેમ યજ્ઞ હોય છે. આ કથા સંવાદની કથા છે, તેમાં વિવાદને સ્થાન નથી હોતું.
પૂજ્ય મોરારી બાપુની કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં જે આવ્યું છે તેના કેટલાક અંશ અહી પ્રસ્તુત કરતા મને આનંદ થાય છે. સાથે સાથે પૂજ્ય મોરારી બાપુની માનસ પ્રાર્થના કરી માફી માગી લઊં છું કે અહી પ્રસ્તુત વિચારો આપની કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં જે આવ્યું છે તે પ્રમાણે છે. તેમાં જે કંઈ ક્ષતિ હોય તો તે મારી સમજણનો અભાવ છે.
શ્રી તુલસીદાસ રચિત “શ્રી તુલસી કૃત રામાયણ” માં “તુલસી” શબ્દમાં શ્રી રામજી, શ્રી લક્ષ્મણજી અને સીતા માતાનો સમાવેશ થઈ જાય છે. તુલસી શબ્દમાંનો “તુ” એ શ્રી રામજીનો સૂચક છે, “લ” એ શ્રી લક્ષ્મણજીનો સૂચક છે અને “સી” એ સીતા માતાનો સૂચક છે.
તુલસીદાસ રચિત રામ ચરિત માનસના ઉત્તરકાંડનો પ્રથમ દોહો નીચે પ્રમાણે છે.
જહં તહં સોચહિ નારિ નર કૃસ તન રામ બિયોગ.
વનવાસની અવધિમાં એક દિવસ બાકી રહ્યો ત્યારે અયોધ્યા નગરીના લોકો અધિર અને આર્ત બની ગયેલા હતા. શ્રી રામના વિયોગમાં દુબળા શરીરવાળા સ્ત્રી પુરુષો ચિંતિત છે.
ઉત્તરકાંડનો અંતિમ દોહો નીચે પ્રમાણે છે.
તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોરિ રામ .
હે રામ, કામી માણસને સ્ત્રી જેવી પ્રિય હોય અને લોભીને પૈસા જેવા પ્રિય હોય તેમ હે રઘુનાથજી આપ મને નિરંતર પ્રિય લાગો છો.
ઉત્તરકાડના પ્રથમ દોહાના પ્રથમ બે શબ્દ “રહા એક” છે અને અંતિમ દોહાનો અંતિમ શબ્દ “રામ” છે. આ બંનેને ભેગા કરતાં “રહા એક રામ” બને છે. જે સંકેત કરે છે કે અંતમાં તો એક રામ જ રહે છે, સત્ય જ રહે છે,બાકી બધું જ વ્યર્થ છે અને આજ જીવનનું સત્ય છે.
પૂજ્ય મોરારી બાપુની કથા હરતું ફરતું ઔષધાલય છે. જેમાં ભવરોગને મટાડવાની ઔષધી તેમજ આ રોગ ફરી ન થાય તેવું ટોનીક મળે છે.
જો કોઈ ઘટના આપણી ઈચ્છા અનુંસાર ઘટે તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો કોઈ ઘટના આપણી ઈચ્છા અનુંસાર ન ઘટે તો તેને પ્રભુની મરજી સમજવી તેમજ તેમાં જ આપણું ભલું થવાનું છે તેમ સમજવું.
પરમ કૃપાળુ પરમાત્મા બહું જ કૃપાળુ છે. તેથી જ તો તેનું એક નામ કરુણાનિધાન, કરુણાનિધિ, કરુણાસાગર છે. તેની કૃપાની વર્ષા અનરાધાર વરસ્યા જ કરે છે. પણ જો તેની કૃપા પ્રાપ્ત કરવા માટેનું આપણું પાત્ર યોગ્ય નહિં હોય તો તેમાં આપણો જ વાંક છે. આપણે આપણા પાત્રને વ્યવસ્થિત રાખીએ તો જ તેની કૃપાથી તે ભરાય. જો પાત્ર ઊધું રાખ્યું હોય તો તેની કૃપાનું અમી કેવી રીતે ભરાય?
મોટા ભાગના લોકોને આપતાં તો નથી જ આવડતું પણ માંગતાં પણ નથી આવડતું. આપણે પ્રભુ પાસે અથવા તો કોઈ મહાન સંત પાસે દુનિયાની નાશવંત વસ્તુઓની માગણી કરી આપણી માંગવાની અણઆવડતને ચરિતાર્થ કરીએ છીએ.
ભગવાન ભોળા નાથે સો કરોડ રામાયણનું મંથન કરી એક રામ નામનું અમૃત કાઢ્યું છે.
અંધશ્રધ્ધા ન હોવી જોઈએ, અશ્રધ્ધા ન હોવી જોઈએ, પણ શ્રધ્ધા તો હોવી જ જોઈએ.
સદગ્રંથથી આપણામાં રહેલી ગ્રંથીઓ છૂટવી જોઈએ.જો ગ્રંથ સાચી વાત ન કહે તો તે આપણી ગ્રંથીઓને દૂર નહિં કરી શકે. તેથી જ આપણા આદિ કવિ નરસિંહ મહેતાએ કહ્યું છે કે “ગ્રંથે ગરબડ કરી, વાત ન સાચી કરી”.
તુલસીદાસજીએ રામ ચરિત માનસનની રચના કરી તેના ત્રણ હેતુઓ છે.
સ્વાન્તઃસુખાય તુલસી રઘુનાથગાથા
ભાષા નિબધમતિ મંજુલ મતિનોતી
તેહિ તે મેં કછુ કહા બખાની
કરન પુનીત હેતુ નિજ બાની
નિજ ગિરા પાવનિ કરન કારન
રામ જસુ તુલસી કહ્યો
તુલસીદાસજી પોતાના અંતઃકરણના સુખને માટે પોતાની મીઠી મધુરી લોકભાષામાં આ ગ્રંથની રચના સાત કાંડમાં કરી છે. અને આ રચનામાં તેમના ત્રણ હેતુ છે.
૧ અંતઃકરણને શાંતિ મળે, હ્નદયને શાંતિ મળે, નિજાનંદ મળે.
૨ મનને બોધ મળે.
૩ આ કથા ગાવાથી પોતાની વાણી પવિત્ર થાય
દશાવતારમાં રામાવતારનો ક્ર્માંક સાતમો છે; માટે સાત કાંડમાં કથા છે.
૧ મત્સ્યાવતાર
૨ કુર્માવતાર
૩ વરાહાવતાર
૪ નૃસિંહાવતાર
૫ વામન અવતાર
૬ પરશુરામ
૭ રામાવતાર
૮ કૃષ્ણાવતાર
૯ બુધ્ધ
૧૦ કલ્કિ
રામાયાનના સાત કાંડ એ દર્શાવે છે કે આ કથા અઠવાડીયાના સાતે ય વારના રોજ ગાવાની કથા છે.
સંગીતના સુર પણ સાત છે – સા રે ગ મ પ દ નિ
સા નો સંકેત સાગર છે. રામાયણનો બાલકાંડને તુલસીએ સાગરની ઉપમા આપી છે. બાલકાંડમાં બાલકની નિર્દોષતા છે.
રે એ અયોધ્યાકાંડ છે. રે એટલે જ્યાં ઠાકુઅર રાખે ત્યાં રહેવું.
ગ એ અરણ્યકાંડ છે. ગ નો અર્થ ગમ, વેદના, પીડા થાય.
મ એટલે મૈત્રી, કિષ્કિન્ધાકાંડમાં મૈત્રીની કથા છે.
પ એટલે પરવશતા જે સુંદરકાંડમાં છે.
ધ એટલે ધર્મ, જે લંકાકાંડમાં છે. લંકાકાંડમાં આસુરી તત્વોનો નાશ કરી ધર્મને પ્રસ્થાપિત કરવામાં આવે છે.
નિ એટલે નિર્વાણ, ઉત્તરકાંડ નિર્વાણનો કાંડ છે.
રામાયણના સાત કાંડમાં સાત આદર્શોની શોધ છે.
૧ બાલકાંડ - બાલકાંડમાં રામની એટલે કે પરમ સત્યની શોધ છે.
૨ અયોધ્યાકાંડ – અયોધ્યાકાંડમાં પરમ પ્રેમની શોધ છે.
૩ અરણ્યકાંડ – અરણ્યકાંડમાં પરમ ભક્તિની શોધ છે. રામ શબરી શોધમાં છે. શબરી રામને માર્ગદર્શન આપે છે.
૪ કિષ્કિન્ધાકાંડ – કિષ્કિન્ધાકાંડમાં પરમ ભક્તની શોધ છે. આ કાંડમાં હનુમાનજી અને સીતાજીની શોધ કરવામાં આવે છે. હનુમાનજી પરમ ભક્ત છે.
૫ સુંદરકાંડ – સુંદરકાંડમાં પરમ શાન્તિની શોધ કરવામાં આવે છે.
૬ લંકાકાંડ – લંકાકાન્ડમાં પરમ નિર્વાણની શોધ છે. લંકાકાડમાં રાવણની ઈચ્છા રામના હાથે મરી પરમ નિર્વાણ પામવાની હતી.
૭ ઉત્તરકાંડ – ઉત્તરકાંડમાં પરમ વિશ્રામની ખોજ છે.
રામાયણ પરમ પ્રેમનું, પરમ સત્યનું શાસ્ત્ર છે તેમજ આ શાસ્ત્ર ઉપર દર્શાવેલ સાતે ય આદર્શને – શોધને મેળવી આપવા સક્ષમ છે, સમર્થ છે.
No comments:
Post a Comment