Translate

Search This Blog

Friday, October 10, 2014

જન્મ માતા આપે છે જીવન ગૌમાતા આપે છે,માનસદર્શન, મોરારિબાપુ

The article displayed here is with the courtesy of Divya Bhaskar - a leading Gujarati daily. It was published in the Sunday Bhaskar dated August 31, 2014.

જન્મ માતા આપે છે જીવન ગૌમાતા આપે છે

આજે સમગ્ર વિશ્વ પર્યાવરણની મોટી સમસ્યામાં ફસાયું છે. જો આ સમસ્યામાંથી બચવું હોય તો આપણે બધાએ ગૌવધ અટકાવવો પડશે. ગૌમાતાને આદર આપવો પડશે.

રામચરિત માનસમાં ગૌમાતાનો જે મહિમા ગાવામાં આવ્યો છે તેનું તુલસીદાસજી ઘણીવાર વિવરણ કરે છે. ગાયમાતાને સ્વયં સુરધેનુ કહ્યા છે. રામકથા સ્વયં પણ સુરધેનુ છે.

રામકથા સુરધેનુ સમસેવત સબ સુખ દાનિ
સતસમાજ સુરલોક સબ કો ન સુનૈ અસ જાનિ

ગાયના મહિમાનું ગાન કરતા તુલસીદાસજીએ ગાયને ક્યારેક સુરધેનુ કહીને, ક્યારેક કામદ કહીને, ક્યારેક કામધેનુ, ક્યારેક ગો કહીને, ક્યારેક સુરભિ કહીને વિશાળ રૂપે તાત્વિક અને સાત્વિક અર્થમાં ગાયમાતાનો મહિમા ગાયો છે.

બીજું કે આજે સમાજમાં ગાય માટે જે સેવાનું કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર વંદનીય છે. ગાયમાતાની સેવા થવી જ જોઈએ. ગાયમાતા દેશમાં સુરક્ષિત હોવી જ જોઈએ. આપણને જન્મ માતા આપે છે પણ જીવન ગૌમાતા આપે છે માટે ગૌમાતાની સેવા થવી જ જોઈએ. હા ઘટનાઓ ઘટતી જ રહે છે. આપણે એમાં ન જીઈએ પણ માનવ તરીકે ગૌમાતાની સેવા જરૂરી છે.

ગૌમાતાની સેવામાં, ગૌમાતાની સુરક્ષામાં ભૂલ થાય છે માટે આજે સમગ્ર વિશ્વ પર્યાવરણની મોટી સમસ્યામાં ફસાયું છે. વિશ્વમાં સમસ્યાનો એટલો મોટો જમેલો છે એની પાછળ ઘણાં બધાં કારણો છે એમાંનું એક મોટું કારણ ગૌવધ છે. ગો અનાદર છે. જો વિશ્વને પર્યાવરણની સમસ્યાથી બચાવવું હોય તો આપણે બધાએ ગૌવધ અટકાવવો પડશે. ગૌમાતાને આદર આપવો પડશે.

ગૌમાતાની સુરક્ષાની પ્રવૃત્તિ રચનાત્મક રીતે થવી જોઇએ. ફક્ત વિચારાત્મક ન હોવી જોઇએ. માટા ભાગે લોકો વિચારાત્મક હોય છે. જો બધા આ વિષયમાં રચનાત્મક બને તો ગૌમાતા અવશ્ય સચવાઈ જશે. પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદને યાદ કરું. એમનું એક વાક્ય છે કે 'વેદ વિના મતિ અને ગાય વિના ગતિ નહીં'. સાધુ સંતોના મુખેથી જે વિચાર પ્રગટ થાય છે તે વિચાર વિચાર નથી રહેતો એ મંત્ર બની જાય છે. આ મંત્રના વિચારમાં સમાજે થોડા ગંભીર બનવાની જરૂર છે.

ગુજરાતના બહું જ મોટા વિચારવાન વ્યક્તિ આદરણીય ગુણવંત શાહ બાંગ્લાદેશ ગયા હતા ત્યારે ત્યાંથી મને એક વાત કરેલી કે બાપુ હું એ વાતથી હેરાન છું પરેશાન છું કે આ મુસ્લિમ દેશોમાં માત્ર ગાયનું જ દૂધ પીવાય છે. ગાયનું જ ઘી વપરાય છે. ગાયનાં બધાં જ દ્વવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. એમની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે આપણે શા માટે ચૂકી જઇએ છીએ? આજે દેશમાં ઘણી બધી સમસ્યા છે જે સાધુ-સંતો પોતપોતાની રીતે કાર્ય કરીને બચાવી જ રહ્યા છે. દેશમાં ગાય બચે, યમુનાનો નિરંતર પ્રવાહ બચે. ગંગાની પાવનધારાને, પ્રવાહને બંદી ન બનાવાય. દેશનાં દેવસ્થાન, તીર્થસ્થાન સારી રીતે સચવાય એવી અમે આશા રાખીએ છીએ.

આપણે ગૌમાતાનાં સંતાન છીએ આ વાતને આપણે સાર્વભૌમ રૂપમાં લઈએ. કેવળ કોઈ જાતિવંશમાં આપણે ન જઈએ. આપણે આપણા પરમતત્વના વંશજ છીએ એ નકારી ન શકાય. કેમ કે આપણે ઈશ્વરના અંશ છીએ. ઈશ્વરના અંશના નાતે ગાયની સેવા આપણામાં હોવી જોઈએ. ભગવાન કૃષ્ણને ગાય વધારે પ્રિય હતી. કોઈ વ્યક્તિ ગાયની સેવા કરશે તો એના ભાગ્યની રેખા, ગ્રહોની દિશા શુભમાં પરિવર્તન થઈ જશે. ગૌમાતાની વાત ચાલી રહી છે ત્યારે સમ્રાટ બિંબિસારની એક ઘટના યાદ આવે છે.


બિંબિસારના રાજ્યમાં એક ગરીબ વ્યક્તિ પોતાના પરિવાર સાથે બે-ત્રણ વીઘાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ પરિવાર ખેતરમાં ઝૂંપડી બનાવીને રહેતો હતો. એક દિવસ ખેડૂત સવારમાં પોતાના પરિવારના પોષણ વિશે વિચારી રહ્યો હતો ત્યાં અચાનક એણે પોતાના આંગણમાં એક કમોસમી ફૂલ ખીલેલું જોયું. એણે નજીક જઈને જોયું તો દુર્લભ એવું ફૂલ હતું. ફૂલ જોઈને ખેડૂત રાજી થયો. બિંબિસારના રાજ્યમાં ઘણા ફૂલ પ્રેમી માણસો હતા એવી એને ખબર હતી. ખેડૂતે બહું જ વિવેકપૂર્ણ ફૂલને ચૂટ્યું. એ વિચારવા લગ્યો કે આવું દુર્લભ ફૂલ જોઈને જ કોઈ ખરીદી લેશે. જેના કારણે મને કંઈક મળશે. જે ધન મારા જીવનમાં મદદરૂપ થશે. હાથમાં ફૂલ લઈને ખેડૂત બજારમાં નીકળે છે. આ બાજું નગરશેઠ બજારમાં નીકળે છે. નગરશેઠની નજર ફૂલ ઉપર પડે છે. ફૂલને જોઈ નગરશેઠ વિચાર કરવા લાગ્યા કે મેં મારી જિંદગીમાં આવું ફૂલ જોયું નથી. એણે ખેડૂતને પૂ્છ્યું આ શાનું ફૂલ છે? ખેડૂત બોલ્યો હું એનું નામઠામ જાણતો નથી. નગરશેઠ કહેવા લાગ્યા મારે ખરીદવું છે. હું તને પાંચ હજાર રૂપિયા આપું  તું મને આપી દે. જ્યાં ચર્ચા ચાલતી હતી એટલામાં બિંબિસારનો  દીવાન નીકળ્યો. એણે ફૂલ જોયું. દીવાન ખેડૂત નજીક આવે છે. નગરશેઠ દીવાનને રસ્તો આપે છે. દીવાન ફૂલના પચ્ચીસ હજાર દેવા તૈયાર થયો. ખેડૂત ફૂલ પચ્ચીસ હજારમાં આપવાની તૈયારી કરે છે. એટલામાં હાથી પર બિંબિસાર નીકળ્યા. રાજાએ હાથી પરથી ખેડૂતના હાથમાં રહેલ ફૂલને જોયું. ફૂલ જોઇને રાજા આકર્ષાયા. નગરશેઠ રાજાને કહેવા લાગ્યા કે આ ખેડૂતનું ફૂલ છે મેં પાંચ હજારમાં માગ્યું. દીવાન પચ્ચીસ હજારમાં ખરીદી રહ્યા છે. રાજાએ તરત ખેડૂતને કહ્યું કે હું આ ફૂલના પસાચ હજાર આપીશ. ફૂલ મને આપી દે. પચાસ હજારની વાત જ્યાં આવી એટલે ખેડૂતે બિંબિસારને પ્રેમથી પૂછ્યું કે રાજા આપ મને એ કહો કે  તમે આ ફૂલના પચાસ હજાર રુપિયા શા માટે આપવા તૈયાર છો? આજે ગૌ પૂજનનો શ્રેષ્ઠ દિવસ છે. આ પૂજન કરવાથી મને ઈશ્વરની પ્રાપ્તિ થશે. માટે હું ખરીદવા માગ્યં છું. રાજાની વાત સાંભળી ખેડૂત ફૂલ વેચવાની ના પાડે છે. ખેડૂત ફરી રાજાને કહે છે કે માલિક આ ફૂલ ગૌમાતાને ચઢાવવાથી ઈશ્વર મળશે? રાજા કહેવા લાગ્યા હા ઈશ્વર મળશે. ખેડૂત ફૂલ વેચવામાં તરત જ ફરી ગયો. એણે સમ્રાટ, દીવાન અને નગરશેઠને કહ્યું કે હવે આ ફૂલ હું વેચવા માગતો નથી. મને માફ કરજો. જો ગૌમાતાને દુર્લભ ફૂલ ચડાવવાથી પરમતત્વ પ્રાપ્ત થતું હોય તો મારે ફૂલ વેચવું નથી. હું પોતે જ ગૌમાતાને ચઢાવીશ અને ગૌમાતાની પૂજા કરીશ. આપણે પણ આપણા જીવનમાં ગૌમાતાની સેવા કરીને પરમતત્વની નજીક પહોંચવાના પ્રયત્ન કરીએ.

No comments:

Post a Comment