Translate

Search This Blog

Sunday, December 28, 2014

કોઇ પણ સત્કર્મ શ્રદ્ધાથી થવું જોઇએ, માનસદર્શન, મોરારિબાપુ

The article is displayed with the courtesy of Sunday Bhaskar.



કોઇ પણ સત્કર્મ શ્રદ્ધાથી થવું જોઇએ


Source Link: http://www.divyabhaskar.co.in/news/MAG-manas-darshan-religious-article-by-morari-bapu-sunday-bhaskar-divya-bhaskar-4852856-NOR.html


રામચરિતમાનસમાં કેટલાંક બડભાગી પાત્રો, બડભાગી સ્થાન, બડભાગી ક્રિયા જે બધામાં ‘બડ’ શબ્દની પ્રધાનતા છે. આજે ‘બડ’ શબ્દ લઇને થોડી સાત્ત્વિક અને તાત્ત્વિક ચર્ચા કરીએ. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે.,

બડે ભાગ માનુષ તનુ પાવા|
સુર દુર્લભ સદ ગ્રંથન્હિ ગાવા||
સાધન ધામ મોક્ષ કરદ્વારા|
પાઇ ન જેહિ પરલોક સંવારા||


ભગવાન રામ એકવાર રાજદરબાર ભરીને બેઠા છે ત્યારે પ્રજાજનોને પ્રભુ એક વાત કરે છે એવા સમયે આ પંક્તિઓ બોલાય છે. એક સત્ય લોકોને પ્રભુ ઉદ્્બોધન કરે છે. રામ એટલે સત્ય, રામ એટલે અનુશાસન રામ એટલે શાશ્વત સત્તા, રામ એટલે પરમાત્મા, રામ એટલે સદગુરુ, રામ એટલે આપણાં માતાપિતા, એવા ભગવાન રામે આ શબ્દો કહ્યા છે. ‘બડ’ અેટલે વિશાળ અથવા મોટાપણું એવું કહી શકાય. માણસે મોટા થવું જોઇએ. મરતા પહેલાં મોટા થવું જ જોઇએ. મોટા થઇને મરવું જોઇએ. જે માણસ મોટો થઇને મરતો નથી એનું મરણ આવે ત્યારે મૃત્યુ પણ શરમાતું-શરમાતું આવે છે. મરણને પણ સંકોચ થાય કે આને ક્યાં અડવાની જરૂર છે. તો ભગવાન રામ પ્રજાની વચ્ચે પ્રવચન કરે છે. રામચરિતમાનસના મોટાભાગના પ્રસંગોમાં ભગવાન બે-ચાર જણની વચ્ચે બેઠા હોય ત્યારે જ વાતો કરે અથવા તો લક્ષ્મણજી સાથે એકલા બેઠા હોય ત્યારે ચર્ચા કરે એવું જોવા મળે છે. આ પ્રસંગમાં લોકોની વચ્ચે, લોકોની સાથે ચર્ચા કરે છે.


રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે કે મનુષ્ય શરીર દેવતાઓને પણ જલદી પ્રાપ્ત થતું નથી. દેવ શરીર મળવું સુલભ છે જ્યારે માનવ શરીર મળવું દુર્લભ છે. દેવ શરીર પ્રાપ્ત થયા પછી કેવળ ભોગ જ ભોગવાય છે જ્યારે માનવ શરીર પ્રાપ્ત થયા પછી પુણ્ય અર્જિત કરી શકાય છે. નિત્ય સત્કર્મ કરી શકાય. આ રામકથા સત્કર્મ છે. માનવ શરીરમાં ભક્તિ પણ સુલભ બની જાય છે. એટલા માટે દેવતાઓ પણ રામાયણમાં બોલ્યા છે,


ધિગ જીવન દેવ સરીર હરે|
તવ ભક્તિ બિના ભવ ભૂલિ ફરે||


અમારા જીવનને ધિક્કાર છે કે તમારી ભક્તિ વિના અમે ભવમાં અટવાઇએ છીએ. તુલસીદાસજીએ તો દેવતાઓને સ્વાર્થી પણ કહ્યા છે. દેવશરીર ભોગપ્રધાન છે જ્યારે માનવ શરીર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જે પણ કરવું હોય એ થઇ શકે. ભગવાન રામે માનવદેહની સરાહના કરી છે એવા માનવદેહનાં ચાર અંગ છે.

1. બડે ભાગ માનુષ તનુ પાવા.
2. સુર દુર્લભ સદ ગ્રંથન્હિ ગાવા.
3. સાધનધામ
4. મોક્ષકદ્વાર

આ ચાર અંગને માણસ સત્સંગ કરતા-કરતા બડભાગી સિદ્ધ કરી શકશે. આપણે બધા મૃત્યુ આવે એ પહેલાં મહાન થઇને જીવીએ. જીવનને બડભાગી બનાવીએ, પણ એના માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે. હું ઘણીવાર કહ્યા કરું છું કે રામકથા પણ સત્સંગ છે. સમાજની સેવા કરવી એ પણ સત્સંગ છે. સત્કર્મ કરવા એ પણ સત્સંગ છે. પણ એ બધું શ્રદ્ધાથી થવું જોઇએ. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે કે ભગવદ્કથા, ભગવદ્ચરિત્ર એને જ સુલભ થશે જેની પાસે શ્રદ્ધાનું ભાથું હશે. ગીતાજીમાં સ્પષ્ટ કહેવાયું છે કે શ્રદ્ધા વગર જ્ઞાન નથી. જ્ઞાનદીપમાં પ્રથમ શ્રદ્ધાની વાત કરી છે. ગીતાનો જે ન્યાય છે તે જ રામચરિતમાનસમાં ઊતર્યો છે.

સાત્ત્વિક શ્રદ્ધા ધેનુ સુહાઇ|
જૌ હરિ કૃપા હૃદય બસ આઇ||

કોઇપણ શાસ્ત્ર હોય કે દેવી-દેવતા હોય અેમાં શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ સત્સંગ સાથે સાથે એવી એક વાત કરી છે કે મનુષ્ય એવું ક્યારેય ન વિચારે કે મને કોઇ સારા કર્મને લીધે જ માનવ શરીર પ્રાપ્ત થયું છે, કારણ કે આપણને ક્યાં ખબર છે કે આપણો આગળનો જન્મ કઇ યોનિમાં હતો અને કદાચ પશુ-પક્ષી, જલચર, નભચર, ભૂચરમાં હોય તો એ યોનિમાં જીવ માટે સત્કર્મ કરવાની કે ભજન કરવાની વ્યવસ્થા હોતી નથી. હા એમાં કોઇ ગજેન્દ્ર પ્રગટ થાય, જટાયુ કે ખગરાજ નીકળે એ વાત આખી અલગ છે. માનવ સિવાય કોઇ યોનિમાં જપ, તપ, યજ્ઞ કે સત્કર્મ કરવાની વ્યવસ્થા નથી. આવું માનવ શરીર પ્રાપ્ત થયું છે ત્યારે આપણે ઇશ્વરની ભક્તિ શ્રદ્ધા અને પ્રેમથી કરીને જીવનને ‘બડભાગી’ બનાવવાનો પ્રયત્ન કરીએ.

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

No comments:

Post a Comment