Translate

Search This Blog

Sunday, December 14, 2014

બાલકાંડ એટલે પ્રભુની સંસ્કાર લીલા

The article is displayed here with the courtesy of Sunday Bhaskar.



બાલકાંડ એટલે પ્રભુની સંસ્કાર લીલા

Source Link: http://www.divyabhaskar.co.in/news/MAG-manas-darshan-sunday-bhaskar-divya-bhaskar-4837674-NOR.html

બાળકને પ્રેમ કરો, ઇશ્વર ખૂબ જ રાજી થશે. ઘરમાં ઠાકોરજીની સેવા કરતા હો અને બાળક રડવા લાગે કે બોલાવે તો પૂજા પછી કરો, પહેલા બાળકની સાથે આનંદ કરો ઠાકોરજી બહુ રાજી થશે.

 
રામચરિતમાનસના મુખ્ય ચાર વક્તા છે. એના અલગ અલગ શ્રોતા છે. ભગવાન શંકરનાં શ્રોતા પાર્વતી છે. યાજ્ઞવલ્ક્ય મહારાજના શ્રોતા ભરદ્વાજજી છે. બાબા ભુશુંડીના શ્રોતા ગરુડ છે અને ગોસ્વામી તુલસીદાસજીના શ્રોતા એમનું પોતાનું મન છે. આ ચારેય આચાર્યની વાણીમાં વિલક્ષણતા છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં સ્પષ્ટ કહે છે સત્સંગ વિના વિવેકનું પ્રાગટ્ય નથી. એક વસ્તુ નક્કી થઇ ગઇ છે કે સત્સંગ કરશો તો જીવનમાં વિવેક આવશે. પરંતુ તુલસીદાસજીએ એક શરત મૂકી છે, ‘રામકૃપા બિનુ સુલભ ન સોઇ’ સત્સંગ હરિની કૃપા વિના સુલભ નથી. કોઇપણ પ્રકારના સત્સંગમાં જવાનો મોકો મળે તો સમજવું કે હરિકૃપા થઇ રહી છે. અને પછી શું થશે. ‘હોઇ બિબેકુ મોહ ભ્રમ ભાગા’ હરિકૃપા થશે તો જીવનમાંથી બે વસ્તુ ભાગી જશે, એક મોહ અને બીજો ભ્રમ. આ બંને ભાગી જશે ત્યારે ‘રઘુનાથચરન અનુરાગા’ ઇશ્વર ચરણના પ્રેમની બાધા બે જ છે મોહ અને ભ્રમ. પ્રેમમાં જો મોહ આવી જાય તો સમજવું કે બાધારૂપ છે, જ્યારે પ્રેમમાં ભ્રમ આવી જાય તો પણ બાધારૂપ છે. રામકથા વ્યક્તિના મોહ અને ભ્રમને દૂર કરે છે.

આજે ઘણા લોકો ચર્ચા કરે છે કે રામકથાથી સમાજમાં બદલાવ આવે છે? અવશ્ય આવે છે. આજે રામકથામાં યુવાનોની સંખ્યા વધી છે. હું દરેક યુવાન ભાઇ-બહેનને વિવેકપૂર્ણ સ્વતંત્રતા આપું છું કે તમારા દરેક મોજશોખ પૂરા થવા જોઇએ પણ એમાં વિવેક અને વડીલોની મર્યાદા સચવાવી જોઇએ. મેં ઘણીવાર કહ્યું છે કે હું કોઇને ઉપદેશ આપવા માટે નીકળ્યો નથી. હું તો સંવાદ કરવા માટે નીકળ્યો છું. યુવાનોની વાત ચાલે છે, બાળકોની વાત ચાલે છે ત્યારે મને વિવેકાનંદજીનું એક વાક્ય યાદ આવે છે. એ એવું કહેતા કે તમારાં બાળકોને ગીતા વંચાવશો તો સ્વર્ગ મળશે નહીં. એમનું સ્વર્ગ ફૂટબોલ કે ક્રિકેટ રમવાથી વધુ નજીક પડશે. એકવાર એને મનગમતી રમત રમવા દો. એને આનંદમાં રહેવા દો. ત્યાર પછી એની રુચિ જોઇને ગીતા વંચાવશો તો એ ગીતા એના અંત:કરણમાં બરાબર ઊતરશે. હું કોઇને ઘરે જાઉ ત્યારે જોયા કરું કે ઘરના લોકો બાળકને મારી પાસે લાવીને બળજબરીથી ઝુકાવે, ક્યારેક તો બાળક રડવા લાગે. તમને બધાને લાગતું નથી કે આવું કરવાથી મારું અપમાન થઇ રહ્યું છે. વિવેકપૂર્વક વિચારો બાળકને બળજબરીથી ઝુકાવવાની શું જરૂર છે? ચેતનાની કોઇ સ્વતંત્રતા નથી? ખલીલ જિબ્રાનને યાદ કરો, તમારાં બાળકો તમારાં નથી તમારા દ્વારા આવ્યા છે. પ્રેમ કરો તો આપણાં બાળકો શું ન કરે? બાળકો સાથે ક્યારેય બળજબરી ન કરો. થોડા પ્રેક્ટિકલ બનો. સાધનાને જીવનથી અલગ ન કરો, જીવન જ સાધના છે. તમે રામકથા સાંભળો ત્યારે જુઓ તો ખ્યાલ આવશે કે ભગવાન રામના બધા સંસ્કાર બાલકાંડમાં થયા. બાલકાંડમાં પ્રભુની સંસ્કારલીલા છે. બાલકાંડમાં આગળ જાઓ તો સંસ્કારની સાથે સાથે જનકપુરમાં સૌંદર્યલીલા છે.

‘સુંદરતા કહું સુંદર કરઇ!
છબીગૃહ દીપ સિખા જનુ બરઇ!!’

રામચરિતમાનસે જીવનના કોઇ પણ રંગનું ખૂન કર્યું નથી, રસવર્ધન કર્યું છે. હું જવાબદારીપૂર્વક કહું છું કે માનસ સરળમાં સરળ ભાષામાં સરસમાં સરસ બોલીમાં, વિશ્વનાં આંતર-બાહ્ય રહસ્યોને ખોલનારો ગ્રંથ છે. માનસ ક્રાંતિકારી ગ્રંથ છે. આ વિશ્વ માટે અંતિમ સદ્્ગ્રંથ છે. રામચરિતમાનસમાં ક્યાંય કોઇ સ્થળે જીવનના લયનો ભંગ થતો નથી. એક છંદ બંધાય છે. એક રસસૃષ્ટિ રચાય છે. નાચતો એવો ગ્રંથ છે. રામચરિતમાનસમાં જે કહેવાયું છે એવું બહુ ઓછા ધર્મગ્રંથોમાં કહેવાયું છે. રામચરિતમાનસ કહે છે કે તમે સારું ભોજન કરો પરંતુ પહેલાં ઠાકુરને અર્પણ કરો. ભગવાનને ભોજન અર્પણ કરવાથી ભોજન પ્રસાદ બની જાય છે. રામચરિતમાનસ એવું ક્યારેય કહે નહીં કે તમે સારાં કપડાં ન પહેરો. પરંતુ વ્યાસપીઠ ઉપરથી મોરારિબાપુ એટલી વિનંતી કરે છે કે સારાં કપડાં પહેરો પણ ક્યારેક ઝૂંપડામાં વસનારા લોકો તરફ જુઓ. વર્ષમાં તમે તમારા માટે જેટલાં કપડાં ખરીદો એના દસમા ભાગનાં કપડાં કોઇને જાણ ન થાય એવા આપણાં વસ્ત્રવિહીન બાળકોને પણ આપી દો. જો અાપણાથી આવું થાય તો સમજવું કે આપણી અંદર સંવેદના છે. સાથે વિવેક પણ છે. મારાં ભાઇ-બહેનો તમે સારાં કપડાં પહેરો. મંદિરમાં ઠાકુરને ભોગ ધરાવવા કરતાં કોઇ ભૂખ્યાને ખવડાવશો તો ભોગ ધરાઇ જશે.  રામનવમી કે જન્માષ્ટમીના દિવસે મંદિરમાં આપણે ઘણાં વસ્ત્રદાન કરીએ છીએ પરંતુ ઝૂંપડામાં કેટલાય રામ અને કૃષ્ણ વસ્ત્ર વિના ફરે છે. એનું શું? વિવેકાનંદજી ત્યાં સુધી પહોંચ્યા હતા. આપણે બધાએ પણ એમાં આગળ વધવાની જરૂર છે. વિવેકાનંદજીએ કદાચ અમેરિકામાં કહ્યું હતું કે હું એવો ધાર્મિક નથી કે મંદિરનો પાયો કેટલો ઊંડો છે. મંદિરની મૂર્તિ કેવી છે. મંદિરની ધજા કેવી હોવી જોઇએ. મારી વાત એ છે કે મારા દેશનો એક પણ બાળક નગ્ન કે ભૂખ્યો ન હોય. આપણી અંદર કરુણા અને પ્રેમ પ્રગટ થવો જોઇએ. જીવનમાં પ્રેમ પ્રગટ થશે તો પ્રેમ જ પરમાત્મા સુધી લઇ જશે. જિસસે તો ત્યાં સુધી કહ્યું છે કે પ્રેમ જ પરમાત્મા છે. પ્રીતની અંતિમ અવસ્થા ભક્તિ  છે. ભક્તિની અંતિમ અવસ્થા ભગવાન છે. વિવેકાનંદજી કહે છે કે બાળકને ફૂટબોલથી રમવા દો. એનું સ્વર્ગ ત્યાંથી નજીક પડશે. આ ક્રાંતિકારી વચન છે. ભારતના એક નવયુવાન આટલાં વર્ષો પહેલાં બોલ્યા છે અને એમનું એ વક્તવ્ય આજે પણ તાજું લાગે છે કારણ કે એમના ગુરુ પણ એટલા જ પ્રેક્ટિકલ હતા. આજે દરેક વ્યક્તિએ પ્રેક્ટિકલ બનવાની જરૂર છે. બાળકને છૂટછાટ આપો પણ ખોટા રસ્તે વળે નહીં એનો પૂરેપૂરો ખ્યાલ રાખો. એને પ્રેમ કરો. બાળક સ્વયં વિવેકપૂર્ણ ચાલવા લાગશે. મારી પુન: એક પ્રાર્થના છે કે બાળક ઉપર ક્યારેય ક્રોધ ન કરો. એને પ્રેમ કરો, ઇશ્વર ખૂબ જ રાજી થશે. ઘરમાં ઠાકોરજીની સેવા કરતા હો અને બાળક રડવા લાગે કે બોલાવે તો પૂજા પછી કરો, પહેલા બાળકની સાથે આનંદ કરો ઠાકોરજી બહુ રાજી થશે. ઠાકોરજી તમારી પૂજા સ્વીકારી લે છે. સાચું ઇશ્વરનું સ્વરૂપ બાળક જ છે.

               (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
rameshwardashariyani@gmail.com

No comments:

Post a Comment